સમય ક્રાંતિ ન્યૂઝ..
થોડા દિવસોમાં તહેવારો પણ શરૂ થઈ જશે. શ્રાવણ મહિનામાં ભક્તો ઉપવાસ રાખતા હોય છે. આ સમય દરમિયાન દુકાનોમાં ફરાળની ચીજવસ્તુઓનું વેચાણ વધતું હોય છે. આ સાથે જ સુરત મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. ફરાળની વસ્તુઓમાં ભેળસેળની તપાસ કરવા મનપાની ટીમે દરોડા કાર્યવાહી શરૂ કરી છે.
સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. આજે તા. 8 ઓગસ્ટે ફરાળી લોટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ફરાળી વસ્તુઓના નામે ડુપ્લીકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા છે.
શ્રાવણ માસમાં આવતા તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપવાસ કરતા હોય છે. ત્યારે ઉપવાસ દરમિયાન ખવાતી ફરાળી વાનગીઓમાં વપરાતા લોટ સહિતના વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે. ત્યારે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી ન દુભાઈ તે માટે દરોડા પાડવામાં આવ્યા હતા.
પાલિકાના અધિકારીએ કહ્યું કે, સુરતના અલગ અલગ ઝોનમાં 6 જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈ ગેરરીતી જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.