સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ મોબાઈલ સેલટેક્ષ (જીએસટી) ચેકપોસ્ટની સરકારી જીપ ગત રાત્રે મહારાષ્ટ્રના તલોદા તાલુકાના મોગલપાડા ગામના મુખ્ય રસ્તા પરથી પસાર થતી હતી.ત્યારે દોડતી જીપમાં શંકાસ્પદ રીતે પાછળના ભાગેથી અચાનક આગ લાગતા માત્ર અડધો કલાકમાં આખી જીપ બળીને ખાક થઈ ગઈ હતી.
જાેકે આ સરકારી જીપમાં સવાર એક સેલટેક્ષ ઓફિસર,બે ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવર મળી કુલ ચાર વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. સોનગઢ મોબાઈલ સેલટેક્ષ ચેકપોસ્ટની જીજે ૦૧ જીએ ૪૦૧૦ નંબરની સરકારી જીપ લઈને સેલટેક્ષ ઓફિસર દિનેશકુમાર કનુજી ઠાકોર,ઇન્સ્પેક્ટર તુષાર પટેલ,મયુર પટેલ વિગેરે ગત તા.૨૮-૪-૨૦૨૪ના રાત્રિ દરમ્યાન કોમર્શિયલ વાહનોના રૂટીન ચેકિંગ માટે મહારાષ્ટ્રના ફૂલવાડી ચોકડીથી અકક્લકુવા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતા.સરકારી જીપ ડ્રાઇવર પ્રકાશ વસાવા હંકારી રહ્યો હતો.ત્યારે લગભગ ૮ઃ૦૫ વાગ્યાના અરસામાં પૂરઝડપે દોડતી આ જીપ મહારાષ્ટ્રના મોગલપાડા ગામમાંથી પસાર થઇ રહી હતી.ત્યારે જીપના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થઈ હતી.જીપમાં આગ લાગી હોવાનું જણાતા તેમાં સવાર તમામ ૦૪ વ્યકિત બહાર નીકળી જવામાં સફળ રહ્યાં હતા.જાેકે ગણતરીની ૩૦ મિનિટમાં જ આખી જીપ બળીને ખાક થઈ ગઈ હતી.સાથે જીપમાં જે ટીમ ચેકિંગમાં હતી તેઓની ખાસ બેગ,લેપટોપ,સરકારી ફાઈલો,બેટરી,મોબાઇલ ફોન,ચેકિંગ દરમિયાન પકડાયેલા વાહનના ડોક્યુમેન્ટ,પકડાયેલા વાહનના ડ્રાઇવરના લાયસન્સ વગેરે મહત્વના સરકારી દસ્તાવેજો અને સામાન બળી ગયા હતા. સોનગઢ મોબાઈલ ચેકપોસ્ટની આ સરકારી જીપ મહારાષ્ટ્રની હદમાં સળગી જવાની ઘટનાને શંકાસ્પદ રીતે જાેવામાં આવી રહી છે.સામાન્ય રીતે આ મોબાઈલ ચેકપોસ્ટની જીપે ગુજરાતની હદમાં બાજીપુરાથી સોનગઢ થી આગળ નવાપુર સુધી,સોનગઢ થી ઉચ્છલ અને આગળ નિઝર સુધી,વ્યારા થી માંડવી રોડ પર,વ્યારા થી ઉનાઇ રોડ પર ચેકિંગ કરવાનું હોય છે.ત્યારે આ જીપ ગત રાત્રે મહારાષ્ટ્રની હદમાં છેક તલોદા તાલુકામાં કેમ ગઈ તે મોટો સવાલ ઉભો થયો છે.આ જીપમાં એક એસઆરપીનો જવાન ચોક્કસ હોય છે તે પણ ઘટના સમયે ગેરહાજર હતો.જીપમાં સવાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ જીપમાં મુકેલ અગત્યના સરકારી ડોક્યુમેન્ટ,લેપટોપ વગેરે કેમ બચાવી શક્યા નહીં તે બાબત શંકાસ્પદ જણાઈ રહી છે