અભ્યાસ છોડી સાસરે જતી રહેલી દિકરીઓ ફરીથી ભણે તે માટે શિક્ષણનું મહત્વ સમજાવી દિકરીઓ ને ફરી એડમિશન અપાવી ભણતર પુરું કરાવવામાં સફળ રહ્યા છે શિક્ષિકા ચૌધરી સંગીતાબેન
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લખાલીના શિક્ષિકા શ્રીમતિ ચૌધરી સંગીતાબેન ગોવિંદભાઇને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા
સમય ક્રાંતિ ન્યૂઝ..
ચાણક્યે કહ્યું છે, શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ” તો આજે એવા જ એક શિક્ષિકા ચૌધરી સંગીતાબેન ગોવિંદભાઇની વાત કરીએ. શિક્ષિકા ચૌધરી સંગીતાબેન દ્વારા બાળકોને પીરસવામાં આવેલ અમુલ્ય ભાથું કે જેના પરિણામ થકી આજે તેમને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
ચૌધરી સંગીતાબેન ગોવિંદભાઇ તા.13/07/2013 ના રોજ ગુજરાતી વિષયના શિક્ષિકા તરીકે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લખાલી તા.વ્યારા જિ.તાપી ખાતે હાજર થયા.શાળામાં આર્ટસ ફેકક્ટીના ધોરણ-11 અને ધોરણ-12 બે ધોરણોના બાળકોને તેઓ ભણવતા અને શાળાના બાળકો સાથે પહેલા દિવસથી જ શૈક્ષણિક પ્રવૃત્તિમાં જોડાઇ ગયા.
શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત- ગમત ક્ષેત્રે ઉજ્જ્વળ ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કરવું , વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્રસ્પર્ધા, નિબંધ લેખન,વકૃત્વ, ક્વિઝ જેવી સહાભ્યાસિક પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થી સમિતિની રચના કરી કામગીરીની સોંપણી કરી કરી અને બાળકોમાં સામાજિક નાગરિક અને નેતૃત્વની ભાવના કેળવાય તે માટે મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરી શાળાનું નામ રોશન થાય એવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં મહત્વની ભૂમિકા રહી છે.
દર વર્ષે ‘સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધા’ અને રમત-ગમતના આયોજન દ્વારા યુવા દિવસની ઉજવણી કરી યુવાનો સાચા માર્ગે વળે, બાળકોને સારું શિક્ષણ મળી રહે,આગળ અભ્યાસ કરે એ માટે કારકિર્દી માર્ગદર્શન પુરું પાડવામાં હર હંમેશા તત્પર રહે છે.
શિક્ષિકા શ્રીમતિ ચૌધરી સંગીતાબેને જે દિકરીઓ અભ્યાસ છોડી સાસરે જતી રહી હતી એ દિકરીઓને ફરીથી શિક્ષણનું મહત્વ સમજાવી એડમિશન અપાવી ભણતર પુરું કરવામાં એક મહત્વની ભુમિકા નિભાવી છે. દિકરીઓ મહેનત કરાવી ધોરણ-12 પાસ કરાવી આગળ અભ્યાસ માટે પ્રોત્સાહન પૂરું પાડયું છે. જે બાળકો નોટબુક,બોલપેન જેવી વસ્તુઓ લેવા માટે અસક્ષમ હોય તેવા બળકોને પોતાના ખર્ચે વસ્તુઓ પુરી પાડવા માટે હમેંશા તૈયાર હોય છે. જાહેર રજાઓના દિવસે પણ જ્યારે જરૂર હોય ત્યારે કામ કરવા માટે તત્પર રહેતા ચૌધરી સંગીતાબેન શાળાનું નામ દરેક ક્ષેત્રે રોશન કરે તે માટે હંમેશા કાર્યરત રહી વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ ૧૨ માં સો ટકા પરિણામ હાંસલ કર્યું છે.
ચૌધરી સંગીતાબેન લખાલી શાળાના આચાર્ય અને ગેઝેટેડ અધકારીશ્રી ચૌધારી આશાબેનનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, તેઓએ મારી શૈક્ષણિક કાર્યપ્રણાલીને પ્રોત્સાહન આપ્યું છે.મારા દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે કરવામાં આવતા તમામ પ્રયત્નોમા મારો સાથ સહકાર આપ્યો છે. અને આવી અવનવી પ્રવૃતીઓ કરવામાં મને પ્રોત્સાહન પુરું પાડ્યું છે અને આજે જિલ્લા કક્ષાના બેસ્ટ શિક્ષક તરીકે મારી પંસદગી થઈ છે એમા એમનો મહત્વનો ફાળો રહ્યો છે.શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવા બદલ જિલ્લા શિક્ષણાધીકારીની કચેરીનો પણ આભાર વ્યકત કરું છું.
“ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ, જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક”