રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા કરવામાં આવી
કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ બે વિધાનસભા બેઠકના ૫૯૫ મતદાન મથકો માટે કુલ ૨૨૮૮ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઇ
સમય ક્રાંતિ ન્યૂઝ..
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને લઈને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી ૭ મે રોજ મતદાન થાનાર છે ત્યારે કોઇ પણ બૂથ પર વોટીંગ સંબધિત સમસ્યા ન સર્જાય અને તાપી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરૂં આયોજન કર્યું છે. ત્યારે આજે તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગની અધ્યક્ષસ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ તાપી જિલ્લામાં સમાવિષ્ટ બે વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં (EMS) સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેની યાદી પણ તમામ પક્ષને તંત્ર દ્વારા સોંપવામાં આવી હતી. જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ-વીવીપેટ જિલ્લાની બન્ને વિધાનસભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓ (એ.આર.ઓ)ને સુપ્રત કરવામાં આવી હતી. તેમજ આ ઈવીએમ જે-તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે.
નોંધનિય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા ૨૩ બારડોલી લોકસભા બેઠક હેઠળની તાપી જિલ્લાની ૦૨ વિધાનસભા બેઠકોમાં કુલ ૫૯૫ મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં અવી હતી. તેમજ આ તમામ વિધાનસભા બેઠકોમાં ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સી.સી.ટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમો ઉભા કરવામાં આવ્યા છે.ઈવીએમમાં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે BU- બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારીનાં ભાગરૂપે ફાળવણી કરવામાં આવશે.આમ,તાપી જિલ્લામાં ૧૭૧ વ્યારા અને ૧૭૨ નિઝર વિધાનસભામાં કુલ ૭૪૩ BU- બેલેટ યુનિટ અને કુલ ૭૪૩ CU- કન્ટ્રોલ યુનિટ તેમજ કુલ ૮૦૨ વીવીપેટ આમ કુલ ૨૨૮૮ ઈવીએમ-વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે.તાપી જિલ્લાના ૫૯૫ મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ-કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણી કરવામાં અવી હતી. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ ૦૧ દિવસમાં જિલ્લાના સંબધિત એઆરઓને ઈવીએમની સોંપણી કરવામાં આવી હતી. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાશે અને તેના આધારે કયા નંબરનું યંત્ર કયા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે.આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી,સહિત ચુંટણી પ્રકિયા સાથે જોડાયેલ અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.