સમય ક્રાંતિ ન્યૂઝ..
આદિજાતિ ઉત્થાન માટે છેલ્લા ૫ વર્ષની સિદ્ધિઓ:
હળપતિ આવાસ યોજના અંતર્ગત કુલ ૧૩ હજારથી વધુ લાભાર્થીઓને રૂ.૧૬૩ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
દૂધ સંજીવની યોજનામાં કુલ રૂ. ૩૭૪.૬૩ કરોડના ખર્ચે ૨૪.૭૦ લાખ ભૂલકા-બાળકોને લાભ અપાયો
કુંવરબાઈ મામેરૂ યોજના હેઠળ રૂ. ૩૪.૫૭ કરોડના ખર્ચે ૩૨ હજારથી વધુ કન્યાઓએ લાભ લીધો
રાજ્ય સરકાર દ્વારા કેન્સર, એઈડ્સ સહિત ૮ રોગોમાં રૂ. ૨,૫૦૦ સુધીની સહાય ચૂકવવામાં આવે છે
……………………
રાજ્યના પૂર્વ પટ્ટાના ૧૪ જિલ્લાઓમાં જોવા મળતી આદિવાસી સંસ્કૃતિની પારંપારિક જીવનશૈલી- વારસો આજે પણ અકબંધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આધુનિક અને વૈજ્ઞાનિક ઉપકરણોની મદદથી રાજ્યના વનબંધુઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. સાથે જ રાજ્ય સરકાર આદિવાસીઓની પારંપારિક જીવનશૈલીને જાળવી રાખીને આગળ વધારવા કટિબદ્ધ છે.
રાજ્યના આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા આશયથી આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ સતત પ્રયાસો કરી રહ્યા છે. જેના ફલશ્રુતિરૂપે છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી ગુજરાતે આદિવાસી સમાજના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રે વિકાસના નક્કર કદમ ઉઠાવ્યા છે. અંતરિયાળ આદિવાસી ગામોમાં પીવાનું પાણી, શૈક્ષણિક સવલત, રહેવા માટે આવાસ, કમ્પ્યુટર પ્રશિક્ષણ, રોજગાર- સ્વરોજગારની નવતર દિશાઓ વિસ્તરી છે.
રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિ પૈકીના હળપતિ સમુદાયના નાગરિકોને પણ વસવાટની મુશ્કેલીઓ ન પડે તેવા આશય સાથે રાજ્ય સરકાર દ્વારા ‘હળપતિ આવાસ યોજના’ અમલી બનાવી છે. જેમાં વ્યક્તિગત ધોરણે મકાન સહાય થકી આવાસ દીઠ રૂ. ૧.૨૦ લાખની રકમ હપ્તાવાર ચૂકવવામાં આવે છે. વ્યક્તિગત ધોરણે મકાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૨૫૯૭ લાભાર્થીઓને રૂ.૧૧૩.૩૬ કરોડની સહાય ચૂકવી છે હળપતિ આવાસ યોજના અંતર્ગત રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૩,૦૭૯ લાભાર્થીઓને રૂ.૧૬૩.૯૦ કરોડની સહાય ચૂકવી છે.
આ ઉપરાંત આદિજાતિ કન્યાઓની નાની ઉમરે થતા લગ્નને અટકાવવા અને લગ્ન પ્રસંગે સામાજિક કુરીવાજો પાછળ થતા ખર્ચને ઘટાડવા રાજ્ય સરકારે ‘કુંવરબાઈનું મામેરૂ યોજના’ અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં રૂ. ૩૪.૫૭ કરોડના ખર્ચે રાજ્યના ૩૨,૨૩૦ લાભાર્થીઓને લાભ અપાયો છે. વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં રકમ રૂ।. ૧૨.૫૦ કરોડની કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
‘સ્વસ્થ મન માટે સ્વસ્થ શરીર જરૂરી છે’ના મંત્રને સાકાર કરવા રાજ્યના અંતરિયાળ વિસ્તારના બાળકોને પણ પોષણયુક્ત ભોજન મળે તેવા ઉમદા આશય સાથે આદિજાતિ વિસ્તારો-વિકાસશીલ તાલુકાઓની પ્રાથમિક શાળાના ભૂલકા-બાળકો માટે ફ્લેવર્ડ દૂધ આપતી ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવી છે. રાજ્ય સરકારે માર્ચ-૨૦૨૪થી દૂધ સંજીવની યોજનામાં બાળકોને આપવામાં આવતા ૨૦૦ મીલી. ફલેવર્ડ દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫ % (૩ ગ્રા.મ.)ના સ્થાને ૪.૫ % (૯ ગ્રા.મ.) જેટલું વધાર્યું છે. આ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ. ૩૭૪.૬૩ કરોડના ખર્ચે ૨૪.૭૦ લાખ ભૂલકા-બાળકોને પોષણક્ષમ દૂધનો લાભ મળ્યો છે. ભૂલકા-બાળકોને પ્રોટીન યુક્ત દૂધ મળે તેવા આશય સાથે આ વર્ષના બજેટમાં રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે વિવિધ રોગમાં વિનામૂલ્યે તબીબી યોજનામાં આપવામાં આવતી સહાયમાં પણ વધારો કર્યો છે. અગાઉ કેન્સર અને એઈડ્સમાં દર માસે રૂ. ૧,૦૦૦ની રકમ દર્દ મટે ત્યાં સુધી આપવામાં આવતા હતા જે હવે વધારીને રૂ. ૨,૫૦૦ દર માસે દર્દ મટે ત્યાં સુધી આપવામાં આવે છે. પહેલા સિકલસેલ એનિમિયા અને થેલેસેમિયા રોગમાં દર માસે રૂ. ૫૦૦ આપવામાં આવતા હતા જે હવે રૂ. ૨,૫૦૦ ચુકવવામાં આવે છે. જયારે પ્રસુતિના ગંભીર કેસ અને ક્ષય રોગમાં રૂ.૫૦૦ની જગ્યા હવે વધારીને રૂ. ૨,૦૦૦ આપવામાં આવે છે. જયારે રક્તપિતમાં અગાઉ દર્દ માટે ત્યાં સુધી રૂ. ૮૦૦ આપવામાં આવતા જે હવે રૂ. ૨,૦૦૦ આપવામાં આવે છે. વધુમાં સ્ત્રીઓના થતા પાંડુરોગ માટે કેસ દીઠ રૂ. ૧૫૦ આપવામાં આવતા જે હવે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨,૦૦૦ ચૂકવવામાં આવે છે.
આમ આદિજાતિના તમામ વર્ગોના ઉત્થાનની રાજ્ય સરકાર સાચા અર્થમાં ચિંતા કરી રહી છે.
પ્રવેશ