સમય ક્રાંતિ ન્યૂઝ..
દેશભરમાં હાલ ક્રિકેટપ્રેમીઓમાં આઈપીએલનો માહોલ જામ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની ક્રિકેટ ટીમ જામનગર આવી પહોંચી છે. જ્યાં ટીમના ખેલાડીઓ મોટીખાવડી સ્થિત રિલાયન્સના ગ્રીન્સ રિસોર્ટમાં પોતાના પરિવાર સાથે મિની વેકેશન માણશે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા, પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, ઇશાન કિશન, કવેના મફાકા સહિતના ક્રિકેટ ખેલાડીઓ આજે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેમાં કેટલાક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે પણ આવી પહોંચ્યા હતા. તમામનું જામનગર એરપોર્ટ પર રિલાયન્સ કંપનીના અધિકારીઓ દ્વારા સ્વાગત્ કરાયું હતું.
7 એપ્રિલે મુંબઈ દિલ્હી વચ્ચે ટક્કર
ત્યારબાદ તમામને સ્પેશિયલ લક્ઝરી બસ મારફતે મોટી ખાવડી સ્થિત રિલાઇન્સ ગ્રીન્સમાં લઈ જવામાં આવ્યા હતા. ગત આઈપીએલ સીઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જામનગરની મુલાકાતે આવી હતી. તેઓ શનિવાર સુધીનું ચાર દિવસનું મિની વેકેશન માણશે. જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના માલિક નીતા અંબાણી છે. આગામી 7 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે.
હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈનો સતત ત્રીજો પરાજય
નોંધનીય છે કે, સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમ 125 રન જ બનાવી શકી હતી. 126 રનના ટાર્ગેટને રાજસ્થાને 15.3 ઓવરમાં પાર પાડીને સરળ વિજય મેળવ્યો હતો. જ્યારે મુંબઈ ટીમનો સતત ત્રીજો પરાજય થયો હતો.