સમય ક્રાંતિ ન્યૂઝ..
નવસારીની પૂર્ણા નદીએ તેની ભયજનક સપાટી વટાવી જતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ શહેરની ખાડીઓ પણ છલકાતા ખાડી નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી નવસારી શહેરમાં અંદાજે 2100 લોકો અને નવસારી ગ્રામ્ય વિસ્તારના અંદાજે 1100 જેટલા લોકોને સ્થળાંતર કરાયા હતા.
અને 10 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. નવસારી શહેરમાં પુરની સ્થિતિ સર્જાતા શહેરના મુખ્ય માર્ગો પુરના પાણીમાં ગરકાવ થઇ જતા તંત્રએ શહેરના તમામ મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા હતા. જેથી એસ.ટી. વિભાગે પણ બસોના રૂટ ડાયવર્ટ કરી દીધા હતા અને ઘણા વિસ્તારોની ટ્રીપો ઓછી કરી દીધી હતી.
નવસારી જિલ્લામાં ગત રોજ સાંજે 6 વાગ્યા બાદ નવસારી જિલ્લાની અંબિકા નદી, પૂર્ણા નદી અને કાવેરી નદીના જળ સ્તરમાં ઘટાડો નોંધાયો હતો. જેથી આજે શુક્રવારે સવારે 6 વાગ્યે સુધી અંબિકા નદી 16.72 ફૂટે, પૂર્ણા નદી 16 ફૂટે અને કાવેરી નદી 11 ફૂટે વહી રહી હતી. પરંતુ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અચાનક પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થવા લાગ્યો હતો. સવારે 6 વાગ્યા બાદ પૂર્ણા નદી ભયજનક સપાટી વધાવી જતા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાનું શરુ થઇ ગયું હતું. ત્યારબાદથી પૂર્ણા નદીના જળ સ્તરમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી નવસારી શહેરમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી.