સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકામાં આવેલ વડગામ ખાતેનું ધારેશ્વર મહાદેવનું પ્રસિધ્ધ મંદિર આજે સોમવાર અને પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથેજ દર્શનાર્થીઓ માટે અનોખુ આસ્થાનું કેન્દ્ર બને છે. ધારેશ્વર મહાદેવનાં દર્શન માત્રથી ધારેલુ કામ સફળ થતું હોવાની સ્થાનિકો અને દર્શનાર્થીઓમાં શ્રધ્ધા અને માન્યતા છે. દક્ષિણ ગુજરાત સહિત આસપાસના ગામોમાં વસતા આદિવાસીઓ તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના પાડોશી રાજ્યોમાંથી લોકો પવિત્ર શ્રાવણ મહિનામા ધારેશ્વર મહાદેવનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
ઉચ્છલ-નિઝર હાઈવે પર ધારેશ્વરનાં જંગલોમાં એક સમયે તાપી નદી તટનાં જૂના વડગામમાં આવ્યું હતું. આ ધારેશ્વર મહાદેવનું હજારો વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર જોકે 1972 ની સાલમાં ઉકાઈ જળાશયનું નિર્માણ થતાં આ પ્રાચીન મંદિરે જળસમાધિ લેતાં વડગામમાં આ ધારેશ્વર મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરાયું હતું. ત્યારથી ધીમે-ધીમે દર વર્ષે અહીં દર્શનાર્થીઓમાં સતત વધારો થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ માસમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી ધારેશ્વર મહાદેવનાં દર્શને આવતાં હોય છે
સમગ્ર વિસ્તારમાં આસપાસ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે તેમજ ઘટાદાર વૃક્ષની નીચે ધારેશ્વર મહાદેવનું મંદિર શ્રધ્ધાળુઓને ખૂબ જ મનમોહિત કરી દે છે. તમેજ મન ને શાંતિ આપે છે પવિત્ર શ્રાવણ માસમાં ખાસ કરીને ત્રીજા અને ચોથા સોમવારે દર્શનાર્થીઓનો અહીં મોટી સંખ્યામાં ધસારો જોવા મળતો હોય છે. અહીંથી પસાર થતાં લોકો પણ પવિત્ર શ્રાવણ માસમાં ધારેશ્વર મહાદેવનાં દર્શનનો લ્હાવો લેવાનું ચૂકતા નથી.
સ્કંધપુરાણની કથા અનુસાર યુધિષ્ઠિરે મૂળ શિવલિંગની જગ્યાએ અસધારણ તપ કર્યું હતું. જેનાથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને જલધારા આપી જેનાથી યુધિષ્ઠિરનું શરીર વજ્ર સમાન બની ગયું. બાદમાં યુધિષ્ઠિરે મહાદેવને અહીંથી ન જવા માટે વિનંતી કરી હતી. વૈશાખ સુદ 8ના રોજ ધારેશ્વર મહાદેવના દર્શન કરવાથી વ્યાધિ અને અલ્પમૃત્યુ ટળે છે એવું માનવામાં આવે છે. તેમજ ઉચ્છલનું આ ધારેશ્વર મહાદેવ મંદિર ખાસ કરીને સ્થાનિક આદિવાસીઓ માટે પણ વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બની રહ્યુ છે…