સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ઓફિસમાં યુવકે પોતાના જ મિત્ર ઉપર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઉધના પોલીસે આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ હુમલા પાછળનું કારણ સાત વર્ષ અગાઉ બનેલી એક ઘટના છે, જેની દાઝ રાખીને આરોપી યુવકે આ હુમલો કર્યો છે.
હુમલા પાછળનું કારણ 7 વર્ષ અગાઉ આરોપીએ મિત્રની માતાને કોઈ કારણોસર ગાળો ભાંડી હતી.જેથી મિત્ર દ્વારા આરોપીને લાફો ઝીંકવામાં આવ્યો હતો. જે લાફાનો બદલો વાળવા આરોપીએ પોતાના જ મિત્ર પર ગત રોજ અન્ય મિત્રોની હાજરીમાં ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયો હતો. જે ઘટના જીવલેણ હુમલાની ઘટના ના લાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દત્ત કુટીર ખાતે ગત રોજ જીવલેણ હુમલાની ઘટના બની હતી. દત્તકુટિર સોસાયટીમાં રહેતા રાહુલ જાદવ પર તેના જ મિત્ર કિરણ આહિરે દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી.
ઉધના પોલીસ મથકના જણાવ્યા મુજબ, ઉધનાની દત્તકુટીર સોસાયટીમાં આવેલ એક ઓફિસમાં રાહુલ જાદવ અને તેનો મિત્ર કિરણ આહિરે પોતાના અન્ય મિત્રો સાથે બેઠા હતા. જે દરમિયાન સોફા પર બેઠેલા કિરણ આહિરેએ રાહુલ જાદવ પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલા બાદ કિરણ આહિરે ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ ઘટનાની જાણકારી મળતા ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. ઉધના પોલીસે કિરણ આહિરે સામે ગુનો દાખલ કરી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી. આરોપીની ધરપકડ કરવા ઉધના પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો હતો.