સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં નિવેદન કર્યું હતું કે, સુરતમાં કોઈ ‘ભાઈ’ નથી. એટલે કે સુરતમાં કોઈ ચમરબંધી નથી, જે દાદાગીરી કે ગુંડાગીરી કરી શકે. સુરત પોલીસે આ નિવેદનને ગંભીરતાથી લઈ અને જાહેરમાં દાદાગીરી, ગુંડાગર્દી કરનારાઓ પર લગામ કસવાનું શરૂ કર્યું છે.જેમાં અડાજણ પોલીસે અડાજણ વિસ્તારમાં દાદાગીરી કરતા ત્રણ ટપોરીઓની ભાઈગીરી ઉતારી નાંખી હતી. અડાજણ પોલીસે ત્રણ ગુંડાઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. નિર્દોષ નબળા લોકો પર રૌફ જમાવી માર મારતા આ ગુંડાઓની હવા પોલીસે ઉતારી નાંખી હતી. પોલીસે સામે ત્રણેય ગુંડાઓ નીચું મોંઢું કરી હાથ જોડી માફી માંગવાની મુદ્રામાં આવી ગયા હતા.
પોલીસના સૂત્રોએ કહ્યું કે, અડાજણ વિસ્તારમાં વિશાલ ઉર્ફે ગોટુ રાકેશ શિંદે (ઉં.વ. 28, 590, સંતતુકારામ સોસાયટી વિ. 6, પાલનપુર જકાતનાકા, મૂળ વતન દેવગઢ મહારાષ્ટ્ર), ચિરાગ ઉર્ફે બાબુ રાકેશ શિંદે (ઉં.વ. 24, 590, સંતતુકારામ સોસાયટી વિ-6, પાલનપુર જકાતનાકા, મૂળ દેવગઢ મહારાષ્ટ્ર) અને હિતેશ ઉર્ફે પોપટ રામપ્રવેશ સહાની (ઉં.વ. 22, 522, સંત તુકારામ સોસાયટી વિ-2, પાલનપુર જકાતનાકા, મૂળ વતન ગોરખપુર, યુપી)ને પકડ્યા હતા.