સમય ક્રાંતિ ન્યૂઝ..
અમલસાડ પાસેના સરિબુજરંગ ગામે ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મુદ્દેની બબાલે ગંભીર સ્વરૂપ પકડ્યું હતું. કાર ચાલક દેવધા ગામના સરપંચ અને ગણેશ આયજોકોએ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી, છુટ્ટા હાથની મારામારી સાથે એટ્રોસિટીની ફરિયાદ આપતાં પોલીસે 6 સામે ગુનો નોંધી 4 ની ધરપકડ કરી છે.
સૂત્રો પાસેથી મળેલ વિગત મુજબ ગણદેવી તાલુકાના સરિબુજરંગ ગામેથી પાંચ દિવસના ગણપતિ વિસર્જન યાત્રા નીકળી હતી, જે યાત્રા કુમાર શાળાની પાછળના શ્રી શિવગણેશ ઉત્સવ મંડળના ગણપતિએ અંધેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલા તળાવમાં વિસર્જન કરવા માટે જતી વખતે સરિબુજરંગ રેલવે સ્ટેશનની સામેનો રસ્તા ઉપર ટ્રાફિકજામ થયો હતો. આજ સમયે દેવધા ગ્રામ પંચાયતના સરપંચ જીગર સુરેશભાઈ પટેલ (ઉં.31 રહે ભેસલા મંદિર ફળિયું, દેવધા), તેમની પુત્રીને શાળામાંથી લાવવા માટે પોતાની i20 કારમાં નીકળ્યા હતા, પરંતુ યુવાનો રસ્તા વચ્ચે નાચતા હોવાથી વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. બીજી તરફ સ્કૂલ છૂટવાનો સમય થઈ ગયો હતો. આથી જીગર પટેલે મંડળના યુવાનોને પોતાની કારને નીકળવા માટે રસ્તો આપવા જણાવ્યું હતું. પણ સરપંચની કારને રસ્તો આપવાને બદલે દાદાગીરી કરતા બંને વચ્ચે પ્રથમ બોલાચાલી અને પછી ઝપાઝપી થતા મંડળના યુવાનોએ કારને રસ્તો આપ્યો ન હતો.