સમય ક્રાંતિ ન્યૂઝ..
હજુ તો સુરત શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ નથી તે પહેલાં જ મેટ્રો ટ્રેન માટે બની રહેલાં બ્રિજનો સ્પાન નમી ગયો છે. જેના લીધે તંત્ર દોડતું થઈ ગયું છે.શહેરના સારોલી-કડોદરા રસ્તા પર મેટ્રો ટ્રેન માટે ઓવર બ્રિજ બની રહ્યો છે. આજે આ નવનિર્માણાધીન બ્રિજનો સ્પાન નમી ગયો હતો. તેના લીધે સારોલાથી કડોદરા તરફનો રસ્તો બંધ કરવાની પરજ પડી છે. પરિણામે આ વિસ્તારમાં ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. નજરે જોનારાઓએ કહ્યું કે, મેટ્રોના સ્પાનમાં ગાબડાં પડી ગયા છે, તે એક તરફ નમી ગયો છે.
સુરત મેટ્રો એ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આટલા મોટા પ્રોજેક્ટની કામગીરીમાં લાપરવાહીનો નમૂનો આજે સામે આવ્યો છે. નમી ગયેલો સ્પાન ગમે ત્યારે પડી જાય તેવી શક્યતા છે. સ્પાનના સળિયા પણ જોઈ શકાય છે, ત્યારે મેટ્રોની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે.
દિલીપ બિલ્ડકોન પાસે છે કોન્ટ્રાક્ટ
સુરતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રોના લાઈન-2 કોરિડોરનું બાંધકામ વર્ષ 2022માં શરૂ થયું હતું. સીએસ-6 પેકેજ હેઠળ મજૂરાથી સારોલી વચ્ચેના આ 8.02 કિ.મી.ના એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દિલીપ બિલ્ડકોન લિમિટેડને 702 કરોડ રૂપિયાનો વર્કઓર્ડર આપ્યો હતો.