સમય ક્રાંતિ ન્યૂઝ..
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે સાપુતારા પંથકમાં પણ વરસાદી બેટિંગ યથાવત રહેતા અંબિકા નદી બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી. રવિવારે દિવસ દરમ્યાન પણ આહવા, વઘઇ અને સાપુતારા પંથકમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. રવિવારે ઝરમરીયા વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડતા જોવાલાયક સ્થળોએ બખા થઈ જવા પામ્યા હતા.
સાપુતારાનાં સ્વાગત સર્કલ, ટેબલ પોઈંટ, સનરાઈઝ પોઈંટ, સ્ટેપ ગાર્ડન, બોટીંગ સહિતનાં સ્થળોએ પ્રવાસી વાહનોની ભીડ જામતા ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ટેબલપોઈન્ટનાં માર્ગે પ્રવાસી વાહનો ખોટકાઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી. સાપુતારાથી શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પણ ભારે વાહનો ખોટકાઈ જતા સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે સતત બે દિવસ સુધી પોલીસને પરસેવો પડ્યો હતો.
સાપુતારા પી.એસ.આઈ.એન.ઝેડ. ભોયાની ટીમ દિવસ દરમ્યાન ખડેપગે તૈનાત રહેતા ટ્રાફિક કાબુમાં લીધો હતો. ડાંગ જિલ્લાનાં ડોન, મહાલ કેમ્પ સાઈટ, ગીરમાળનો ગીરાધોધ, વઘઇનો ગીરાધોધ, બોટનિકલ ગાર્ડન વઘઇ, પાંડવ ગુફા સહિત અન્ય પ્રવાસન સ્થળોએ પણ રવિવારે પ્રવાસીઓની ભીડ જામતા સમગ્ર વાતાવરણ કીકીયારીઓથી ગુંજી ઉઠ્યુ હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 04 મીમી, વઘઇ પંથકમાં 06 મીમી, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 50 મીમી અર્થાત 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.