સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ) ખાતે આજે તા.૨૭/૦૭/૨૦૨૪ ના રોજ તાપી જીલ્લા પોલીસ આયોજીત લોન-ધિરાણ કેમ્પ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ વેળાએ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા,ધારાસભ્યશ્રીઓ ડો.જયરામભાઈ ગામીત,મોહનભાઈ ઢોડિયા,મોહનભાઈ કોંકણી,પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ,નગર પાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.
લોન-ધિરાણ મેળામાં લાભાર્થીઓને સંબોધતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તાપી પોલીસ ખૂબ સારૂ કામ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં ટ્રાફિક ડ્રાઈવ કરીને તેઓની પાસે અકસ્માત નિવારવા દંડ વસુલવાના ઈરાદો નહીં પરંતુ લોકોનું જીવન ફાઈન કરવાના ઉદૃદેશ્ય સાથે કામગીરી કરવામાં આવી છે. ૬ થી વધુ ડ્રગ્સના ગુનાઓ પકડી યુવાપેઢીનું ભવિષ્ય બચાવ્યું છે.જે ખરેખર અભિનંદનને પાત્ર છે.વ્યાજનું દુષણ એ સમાજનો સૌથી મોટો ગુનો છે.
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગે વ્યાજખોરો સામેની લડાઈ હાથમાં લીધી છે. દ્વારકા,અંબાજીથી લઈને ઉમરગામ સુધી હજારો લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે. લોકો વિશ્વાસ રાખીને પોતાનું ઘર,સોનુ,મંગલસૂત્ર,કોરો ચેક વિગેરે ગિરવે મુકીને પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કરે છે. ત્યારે વ્યાજખોરોએ માનવતાનો ધર્મ બજાવવો જોઈએ તેના બદલે દાનવતાનો ધર્મ બજાવે છે. સુરત શહેરમાં અનેક લોકોને પોતાના સપનાના ઘર પાછા અપાવ્યા છે. તાપી પોલીસ આજે દિકરાની ફરજ બજાવી રહી છે. સમાજમાં ગરીબ માણસો ફરિયાદ કરવા પણ નથી જતા ગુજરાતના પ્રત્યેક નાગરિકને ન્યાય મળવો જ જોઈએ.પોલીસ મહાનિરિક્ષકશ્રી પ્રેમ વીર સિંહે જણાવ્યું હતું કે આ શુભ અવસરે લોન/ધિરાણ મેળાની કામગીરીને બિરદાવું છું. છેલ્લા એક વર્ષમાં ૧૬૧ ગુનાઓમાં ૨૧૯ આરોપીઓની અટક કરવામાં આવી છે. તાપીમાં ૧૦ ગુનાઓમાં ૧૪ આરોપી અટક કરાઈ છે. સરકારશ્રીની યોજનાઓના સથવારે આખી રેન્જમાં ૫૫૦૦ થી વધુ લોન અરજીઓ પૈકી ૪૧૦૦ લાભાર્થીઓને રૂા. ૫૭ કરોડની લોન આપવામાં આવી છે. આજે તાપીમાં ૧૩૮૪ અરજીઓ સાથે કુલ રૂા.૩૬ કરોડથી વધુ ની લોન સહાય આપવામાં આવી છે. જે માટે તમામ બેન્કો તરફથી ખૂબ સારો સહકાર મળ્યો છે.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલે જણાવ્યું હતું કે પોલીસનો અભિગમ બદલાયો છે. હવે પોલીસ પ્રજા પાસે જાય છે. જેના ભાગરૂપે લોકો સુરક્ષિત સલામતિ અનુભવે છે. ‘તમારી ત્રણ વાત અમારી ત્રણ વાત’ તેરા તુજકો અર્પણ જેવા કાર્યક્રમો યોજીને લૂટ,ધાડ,ઠગાઈના ગુનાઓમાં ૧.૧૬ કરોડનો મુદૃદામાલ લોકોને પરત અપાવ્યો છે.
આજે યોજાયેલા લોન મેળામાં ૩૧ લાભાર્થીઓને રૂા.૩૬.૩૬ કરોડની લોન સહાય મહાનુભાવોના હસ્તે અર્પણ કરાઈ હતી. ધામોદલા ગામના કોતરમાં તણાઈ જતા વૃધ્ધને બચાવનાર ટી.આર.બી.ના જવાન મનિષભાઈ શંકરભાઈ ચૌધરી,યોગેશભાઈ બાબુભાઈ ચૌધરીનું મહાનુભાવોએ સન્માન કર્યું હતું.આ પ્રસંગે તમામ બેન્કોના મેનેજરશ્રીઓ, લીડ બેંક મેનેજર રસિકભાઈ જેઠવા,મયંકભાઈ જોશી,વિક્રમભાઈ તરસાડિયા,ડો.નિલેશ ચૌધરી,પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ નાયબ પોલીસ અધિક્ષક પી.જી.નરવડેએ કરી હતી.