સમય ક્રાંતિ ન્યૂઝ..
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી રમાનારી પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. BCCIએ હાલમાં બે મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ જાહેર કરી છે. ફાસ્ટ બોલર યશ દયાલને પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવ્યો નથી. તે પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
પુરુષ પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતની 16 સભ્યોની ટીમની પસંદગી કરી લીધી છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં બીજી ટેસ્ટ રમવાની છે. જોકે, હજુ બીજી ટેસ્ટ માટે ટીમની પસંદગી કરવામાં આવી નથી. બે મેચોની ટેસ્ટ શ્રેણી ઉપરાંત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણી પણ રમાશે. આ શ્રેણી માટે પણ હજુ ટીમની પસંદગી કરવામાં આવી નથી.
પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમ જાહેર
BCCIએ ચેન્નઈમાં રમાનારી પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં વિકેટકીપર ઋષભ પંત, KL રાહુલ અને સરફરાઝ ખાનને પણ તક મળી છે. જ્યારે શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું નથી. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમમાં ચાર સ્પિનર અને ચાર ફાસ્ટ બોલરોને રાખવામાં આવ્યા છે. બે વિકેટકીપર સહિત કુલ આઠ બેટ્સમેન છે.