સમય ક્રાંતિ ન્યૂઝ..
શહેરમાં રવિવારની રાત્રે એક પત્રકારની હત્યા થઈ છે. શહેરના આંજણા વિસ્તારમાં મોડી રાત્રે 15-16 વર્ષના 5-6 લબરમૂછિયા કિશોરોએ ચપ્પુના ઉપરાછાપરી 34 ઘા મારી ક્રુરતાપૂર્વક મોતને ઘાત ઉતાર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આંજણા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી. જે યુવકની હત્યા થઈ તે યુટ્યૂબ ચેનલનો પત્રકાર ઝૂબેર ઉર્ફે ઝૂબેર પ્રેસ હોવાની વિગતો બહાર આવી છે. ઝૂબેરની આંજણા વિસ્તારમાં આવેલી એચટીસી ટેક્સટાઈલ માર્કેટ પાસે ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી.
પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે ઝૂબેરને ત્રણેક મહિના પહેલાં તેના મહોલ્લામાં રહેતા કેટલાંક ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. ટપોરીઓ સાથે આ મામલે તેને ઝઘડો થયો હતો. દરમિયાન તે લબરમૂછિયા ટપોરીઓએ રેકી કરાવી ગઈકાલે રાત્રે તેને એકલો ભાળી મારી નાંખ્યો હોવાની વિગતો સામે આવી છે. ટપોરીઓએ તિક્ષ્ણ હથિયારોથી ઝૂબેર પર હુમલો કર્યો હતો અને પાંચ-છ જણાએ ભેગા મળી ઉપરાછાપરી 34થી વધુ ઘા ઝીંકીને ક્રુરતાપૂર્વક રહેંસી નાંખ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.