સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા સહિત નવસારીમાં મોડી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેના પગલે શહેરના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. વરસાદ પડતા માત્ર 2 કલાકમાં નવસારીમાં દોઢ ઇંચ અને જલાલપોરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
નવસારી જિલ્લામાં નવરાત્રી દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડતો હતો. જોકે નવરાત્રી બાદ નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. જોકે જિલ્લામાં વરસાદના છુટાછવાયા છાંટા પડતા હતા. વરસાદ ભરબપોરે તડકામાં જ પડયો હતો. જોકે છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. જેથી નવસારી જિલ્લામાં ઉનાળા જેવી ગરમી બફારો વર્તાઈ રહ્યો હતો. જોકે આજે દિવસ દરમિયાન નવસારી જિલ્લામાં વરસાદની ગેરહાજરી રહી હતી. પરંતુ સાંજે નવસારીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. નવસારીમાં સાંજે અંધારપટ છવાઈ ગયો હતો. તો બીજી તરફ વીજળીના કડાકા-ભડાકા શરૂ થઇ ગયા હતા. ત્યારબાદ નવસારી જિલ્લામાં વરસાદ પડવાનું શરૂ થયું હતું. નવસારીમાં ભારે વરસાદ પડતા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ હતી. તેમજ મોપેડ અને બાઈક ચાલકોને રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડી હતી.