તાપી જિલ્લામાં વ્યારાના ઓદિચ્યવાડી ખાતે સ્થાનિક કલાકારોની હાથ બનાવટની ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ મેળાની મુલાકાત લઇ વિવિધ ચિજ વસ્તુઓ ખરીદી નાગરિકોને પ્રોત્સાહિત કર્યા
મંત્રીશ્રીએ દરેક સ્ટોલ ખાતેથી અનેક ચિજ વસ્તુઓ ખરીદી સ્થાનિક કારીગરોના કામને બીરદાવ્યા
ભારત દેશમાં બનતી તમામ પ્રોડક્ટને આપણે પોતે ખરીદીએ અને સ્થાનિકોના પરિશ્રમને અજવાળીએ ‘વોકલ ફોર લોકલ’ બનીએ.- આદિજાતી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ
સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે ગત તા. ૦૩/૧૧/૨૦૨૩ થી તા.૧૧/૧૧/૨૦૨૩ સુધી દિવાળી તહેવારોને ધ્યાને લઈ ઈન્ટરપ્રોનીયોરશીપ ડેવલોપમેન્ટ ઈન્સટીટયુટ ઓફ ઈન્ડિયા (EDII) , દ્વારા તાપી જિલ્લાની આર્ટ અને કલ્ચરની વિવિધ હાથ બનાવટની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે હસ્ત કલા યોજના અંતર્ગત ‘દિવાળી હસ્ત કલા’ પ્રદર્શનનું આયોજન ઔદીચ્ય સમાજ વાડી, ઝંડા ચોક તળાવ રોડ,વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું.
જેના આજે અંતિમ દિવસે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ મુલાકાત લીધી હતી. આ પ્રદર્શન મેળા અને સ્ટોલની મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ દરેક સ્ટોલ ખાતેથી એક અથવા બે ચિજ વસ્તુઓ ખરીદી વેચાણકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સાથે મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ ‘વોકલ ફોર લોકલ’ બનવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે ત્યારે તેઓનું વિઝન છે-“વોકલ ફોર લોકલ”. જેમાં સ્થાનિકોની હાથ બનાવટની પ્રોડક્ટસ અંગે વધુમાં વધુ લોકો જાણે અને તેની ખરીદી કરી સ્થાનિકોને આર્થીક પગભર બનાવવામાં ભાગ ભજવે. જેથી ભારત દેશ આત્મનિર્ભર બની શકે.
મંત્રીશ્રીએ સમગ્ર દેશની જાહેર જનતાને આહવાન કરતા નમ્ર અપીલ કરી હતી કે, ભારત દેશમાં બનતી તમામ પ્રોડક્ટને આપણે પોતે ખરીદીએ અને આપણા દેશને આર્થીક રીતે મજબુત કરવાની દિશામાં આગળ વધીએ, સ્થાનિકોના ‘પરિશ્રમને અજવાળીએ” વોકલ ફોર લોકલ બનીએ.
મુલાકાતના અંતે મંત્રીશ્રીએ તમામ સ્ટોલ ધારકો સાથે ગૃપ ફોટો લઇ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન નગરપાલીકાના માજી પ્રમુખ સેજલ રાણા સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ વિવિધ ખરીદીઓ કરી ‘વોકલ ફોર લોકલ’ બનવાની નેમ લીધી હતી.