સમય ક્રાંતિ ન્યૂઝ..
શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરી પરિવારને આર્થિક મદદ કરવા માટે એક કંપનીમાં કામ કરતી હતી. કંપનીના જ કેટલાક કર્મચારીઓને લાવવા મુકવા માટે એક રીક્ષાની વ્યવસ્થા કંપનીમાંથી જ કરવામાં આવી હતી. આ દરમિયાન આ રીક્ષા ચાલક યુવકે કિશોરી પર દાનત બગાડી તેને લગ્ન કરવાની લાલચ આપી ઝાડી ઝાંખરામાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને પગલે કિશોરીએ ઘરે સઘળી હકીકત જણાવતા પરિવારના સભ્યોએ ઇચ્છાપોર પોલીસ મથકમાં રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરી ઈચ્છાપોર વિસ્તારમાં જ આવેલી એક કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ઘર સુધી લેવા મુકવા માટે એક ઓટો રીક્ષા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચોર્યાસી તાલુકાના કવાસ ગામમાં રહેતો રાહુલ સંજય વાઘ નામનો રીક્ષા ચાલક કંપનીના ચારથી પાંચ કર્મચારીને ઘરેથી લઈ પરત ઘર સુધી મૂકતો હતો. આ દરમિયાન ૧૪ વર્ષીય કિશોરી પણ તેમની રિક્ષામાં જ આવતા જતા રાહુલ વાઘે તેના પર દાનત બગાડી હતી. છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન રાહુલે રિક્ષામાં સવાર અન્ય તમામ કર્મચારીઓને ઉતારી દીધા બાદ કિશોરી સાથે વાતો કરી તેને લગ્ન કરવાની લાલચ આપી ઝાડી ઝાંખરામાં લઈ જઈ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ પરિવારને સઘળી હકીકત જણાવતા તેઓએ ઇચ્છાપોર પોલીસ મથકમાં રાહુલ વાઘ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કિશોરીની બહેનની ફરિયાદ લઈ રાહુલ વાઘ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.