તંદુરસ્ત જીવન અને સુખાકારી માટે યોગ નિયમિત કરીએઃ- આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી કુંવજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને “સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ સાથે ૧૦માં “ વિશ્વ યોગ દિવસ”ની જિલ્લાકક્ષાએ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
જ્યારે તમામ તાલુકા મથક,ગ્રામ પંચાયતો,શાળા-કોલેજો અને બે ઈકો ટુરિઝમ સાઈટ આંબાપાણી અને પદમડુંગરી ખાતે યોગના વિશેષ કાર્યક્રમો યોજાયા, જેમાં અંદાજીત ૨૦ હજારથી વધુ લોકો યોગમય બન્યા હતા.સાથે સરકારશ્રીના યોગ સબંધિત જીવંત પ્રસારણ કાર્યક્રમને નિહાળ્યો હતો. રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને રાજ્યના યોગબોર્ડ તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રિય યોગ દિવસની સમગ્ર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ તાપી જિલ્લાને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણી તંદુરસ્તી અને સુખાકારી જીવન માટે યોગ કરવો જોઈએ. યોગ પ્રાચીન ભારતની કલા છે. યોગથી આત્મા અને શરીરનું જોડાણ થાય છે. મન શાંત થાય છે.યોગથી એકાગ્રતાનો ગુણ કેળવાય છે.
નિરામય ગુજરાત અને સુખાકારી સ્વાસ્થ્ય માટે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૧મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થાય તે માટે પ્રયાસ કર્યો હતો.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં આજે આંતરારષ્ટ્રિય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વ્યારા ખાતે આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી નિમિત્તે ઈ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ,જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ,પદ્મશ્રી રમીલાબેન ગામીત,તાપી જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશભાઇ કાચવાલા,નિલેશભાઇ ચૌધરી, પુર્વ મહામંત્રી વિક્રમભાઇ તરસાડીયા સહિત અન્ય હોદ્દેદરો,વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ,વિવિધ શાળાના બાળકો તથા વ્યારાનગરજનોએ યોગ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.