સમય ક્રાંતિ ન્યૂઝ..
ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ સમાચાર ખુબ જ અગત્યના છે. કારણકે, આ સમાચાર જાણવાથી તેમના ખિસ્સાને મોટો ફાયદો થશે. હવે તમારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે નાસ્તા-પાણી માટે કે જમવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમારા માટે કરવામાં આવી છે સાવ સસ્તામાં સારી વ્યવસ્થા. માત્ર ૨૦ રૂપિયામાં તમને મળશે પેટ ભરીને ભોજન. રેલવેએ દેશભરના પસંદગીના વિવિધ સ્ટેશનો પર જનરલ કોચના મુસાફરોને ધ્યાનમાં રાખીને સસ્તા ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે દેશના ૧૦૦ સ્ટેશનોના લગભગ ૧૫૦ કાઉન્ટર પર મુસાફરોને આ સુવિધા આપવામાં આવી રહી છે. ભવિષ્યમાં, આ સુવિધા વધુ સ્ટેશનો સુધી વિસ્તારવામાં આવશે. પાણી માત્ર ત્રણ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે મુસાફરોને સ્ટેશન પર પાણી અને ખોરાક માટે ફાંફા મારવાની જરૂર રહેશે નહીં. આ માટે નિયુક્ત વિક્રેતાઓ તેમનાં કાઉન્ટર પર સામાન્ય સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ સુધીના મુસાફરોને પોસાય તેવા દરે ભોજન અને પીવાના પાણીના પેકેટ્સ ઉપલબ્ધ કરાવશે.સરળ ઉપલબ્ધ સુનિશ્ચિત કરવા માટે, ભોજન અને પાણી પ્લેટફોર્મ પર અનરિઝર્વ કોચ (સામાન્ય વર્ગના કોચ) નજીક Âસ્થત કાઉન્ટર્સ પર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુસાફરો આ કાઉન્ટર પરથી ભોજન સીધું ખરીદી શકે છે. તેમણે વિક્રેતાઓને શોધવાની કે સ્ટેશનની બહાર જવાની જરૂર નહીં પડે. પોષણક્ષમ દરે ઉપલબ્ધ ભોજનની બે કેટેગરી રાખવામાં આવી છે. ઈકોનોમી મીલ ૨૦માં અને કોમ્બો મીલ ૫૦ રૂપિયામાં આપવામાં આવશે.